મંગળવાર, 7 જાન્યુઆરી, 2020

જ્યૂસ જેકીંગ (મોબાઇલ માલવેર)


  આપના મોબાઇલ ફોનને કોઇ પણ જાહેર જગ્યાએ ચાર્જીગ કરવાનુ ટાળો આવુ કરવાથી તમારા મોબાઇલના ડેટા, મોબાઇલમા રહેલા તમારા અગત્યના દસ્તાવેજો હેકર દ્વારા ચોરી થઇ શકે છે. આપના મોબાઇલમાં રહેલ આપની બેંકની માહીતી ચોરી થઇ શકે છે તેમજ બેંકમાંથી આવતા OTP પણ ચોરી થઇ શકે છે. આપના ફોનનો એક્સેસ હેકર કરી શકે છે. 

જ્યુસ જેકીંગથી બચવાના ઉપાય
1.પબ્લીક પ્લેસમાં મોબાઇલ ચાર્જ કર્તા પહેલા ઇલેક્ટ્રીક સોકેટ ચેક કરો.
2.મોબાઇલ ચાર્જર તથા કેબલ પોતાનુ જ વાપરો.
3.મોબાઇલ ચાર્જ ફક્ત ઇલેક્ટ્રીકલ સોકેટથી જ ચાર્જીંગ કરો.
4.અજાણ્યા વ્યક્તિની પાવર બેંકનો ઉપયોગ કરવો નહી.
5.મોબાઇલ ચાર્જીગમાં રાખતી વખતે મોબાઇલના  ડાટા ટ્રાન્સફર વિકલ્પને બંધ રાખો. 
6.પબ્લીક પ્લેસમાં મોબાઇલ બંધ કરી ચાર્જ કરવો.

7.USB Condoms વાપરી આપ આવા માલવેર થી બચી શકો (આ ડીવાઇસથી આપના ફોનના ડાટા ટ્રાન્સફર થશે નહી)

OLX ના માધ્યમથી થતી છેતરપીંડીથી સાવધાન

ઓનલાઇન મિલકતની લે-વેચ ખરીદતી વખતે ખુબ જ ધ્યાન રાખવુ. ફ્રોડસ્ટરો દ્વારા મિલકત ની કિંમત ખુબજ સસ્તી રાખવામાં આવે છે અને પોતાની ઓળખ આર્મી મેન ARMY/BSF/CRPF/CISF અથવા ઓફીસર તરીકે આપી વોટ્સએપ પર આઇ.ડી. પ્રુફ મોકલી તમને લલચાવી તમને અગાઉથી પૈસા  ભરાવી ફ્રોડ કરવામાં આવે છે. જેથી આ બાબતે મિલકત રૂબરૂ જોયા વગર અજાણી વ્યક્તીના ખાતામાં ઓનલાઇન નેટ બેંકીંગ થી કે પેટીએમ/ફોન પે/ગુગલ પે જેવા કોઇ પણ પેમેંન્ટ ગેટ-વે મારફત પૈસા ભરવા નહી.

મોબાઇલ ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત


   મોબાઇલ ખરીદી કરતી વખતે હંમેશા મોબાઇલના બીલનો આગ્રહ રાખવો. બીલ વગરનો મોબાઇલ ખરીદવો નહી. આવા મોબાઇલ ચોરીના કે કોઇ ગુનાહીત પ્રવૃતીમાં ઉપયોગમાં લેવાયેલા હોઇ શકે.

મોબાઇલ રીપેરીંગ કરતાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત


   મોબાઇલ રીપેરમાં આપતા સમયે આપના અંગત ડોક્યુમેન્ટ, ફોટો તથા વિડીયો, સીમ તથા મેમરી કાર્ડ કાઢી લેવા જેથી તેનો દુરઉપયોગ થઇ શકે નહી
   તેમજ આપના મોબાઇલ લેતા સમયે આપના મોબાઇલના IMEI નંબરની ચકાસણી જરૂર કરો
         

ATM ક્લોન ના માધ્યમથી થતી છેતરપીંડીથી સાવધાન


ATM માથી રૂપીયા ઉપાડતી વખતે અજાણી વ્યક્તિની મદદ લેવી નહી તથા ATM કાર્ડ તથા પાસવર્ડ કોઇ અન્ય વ્યક્તિને આપવો નહી કે અન્ય વ્યક્તિ પાસવર્ડ જોઇ નાલે તેનુ ધ્યાન રાખવુ. અન્યથા તે વ્યક્તિ તમારૂ કાર્ડ ક્લોન (કોપી) કરી આપના રૂપિયા ઉપાડી શકે છે. જરૂર જણાય તો વિશ્વનીય વ્યક્તિની મદદ લેવી. આપનો ATM કાર્ડનો પાસવર્ડ ગુપ્ત પિન છે જેને કોઇ પણ જગ્યા ઉપર પર લખવો નહી.

સોમવાર, 6 જાન્યુઆરી, 2020

ઓનલાઇન પ્રતિબંધીત વસ્તુઓ ખરીદવી કે વહેચવી

સરકારના કાયદા એકદમ સ્પષ્ટ છે અને ઘણી ચીજ વસ્તુઓ જેમ કે, ડ્રગ્સ, હથિયાર, પ્રાણીની ચામડીનો વેપાર જેવી બાબતો પર પ્રતિબંધ છે. કોઇપણ બિઝનેશ વેબસાઇટના બેક ગ્રાઉન્ડમાં પ્રતિબંધીત વસ્તુઓના ફોટા રાખવામાં આવતા હોય અને આ પ્રકારની વસ્તુઓના ફોટા પર અદ્રશ્ય પિંગ પોઇન્ટ્સ રાખીને લીંક ઓપન કરવા માટેની સુવિદ્યા આપેલી હોય છે જેના દ્વારા પ્રતિબંધીત વસ્તુઓનુ ખરીદ-વેચાણ થઇ શકે.

ડીનાઇલ ઓફ સર્વીસ


ડિનાઇલ ઓફ સર્વિસ એટેક એટલે સાયબર હેકરો કોઇ વ્યકિત, કંપની, બેંક કે સંસ્થાના સર્વરને એટલુ બધુ વ્યસ્ત કરી નાંખે છે કે તેના સિવાય અન્ય કોઇ વ્યક્તિ તેની સર્વિસનો લાભ લઇ શક્તી નથી અને પરીણામે ભોગ બનનાર વ્યક્તિને મોટુ આર્થિક નુકશાન થાય છે.

વાયરસ / માલવેર એટેક

વાયરસ/માલવેર ઘણા પ્રકાર હોય છે જેમ કે, ટ્રોજન, વોર્મ, રેન્સમવેર જેવા નાનકડા વાયરસ કોમ્પ્યુટર, લેપટોપ કે સર્વરમાં નુકસાની સર્જી ડેટા ગેધરીંગ, ક્રેડેંશીયલની ચોરી, કી-લોગીંગ વિગેરે થાય છે.

આરોપીઓ પેનડ્રાઇવ, હાર્ડડ્રાઇવ અથવા અન્ય ડિવાઇસ કે ઓનલાઇન વેબસાઇટના માધ્યમથી આયોજનપુર્વક નાનકડો સોફ્ટવેર તમારા ડિવાઇસમાં ઇન્સ્ટોલ કરે છે ત્યાર બાદ માલવેર દ્વારા ભોગ બનનાર વ્યક્તિના કોમ્પ્યુટર, લેપટોપ કે સર્વરનો એક્સેસ મેળવીને ડેટા ચોરી કરે છે. આ ઉપરાંત સીસ્ટમના IP Address અને MAC I.D. નો ઉપયોગ કરી સાયબર ક્રાઇમની કોઇપણ ગંભીર ઘટનાને આકાર આપી શકે છે.

ડેટા થેફટ

એકદમ સરળ શબ્દોમાં કહીએ તો, કોઇપણ વ્યક્તિનો અંગત, સંસ્થા, પ્રાઇવેટ કંપની કે સરકારી એકમોમાંથી વેબસાઇટ, કોમ્પ્યુટર, પેનડ્રાઇવ, ઇમેલ આઇ.ડી.ના માધ્યમથી ડિજીટલ ડેટા ચોરી કરવામાં આવે છે, જેને ડેટા થેફ્ટ કહેવાય છે.

રેન્સમવેર એટેક

રેન્સમવેર એટલે સાયબર હેકરોએ કોમ્પ્યુટર કે સર્વરમાં રહેલો ડિજીટલ ડેટા ચોરવા માટે બનાવેલો નાનકડો સોફટવેર પેચ. જ્યારે કોઇ કંપનીના નેટવર્કમાં વાયરસ પ્રોટેક્ટેડ શિલ્ડ ન હોય તેવા સમયે હેકરો કોઇ લીંક મારફતે સીસ્ટમના સર્વરમાં પ્રવેશ કરતા હોય છે અને સર્વરનો મહત્વપુર્ણ ડેટા Encrypt કરી દેવામાં આવે છે જ્યારે પણ યુઝર પોતાની સિસ્ટમ ચાલુ કરે કે તરત જ ડેટા Encrypt થયેલો જોવા મળે છે અને હવે હેકર કોઇ ઇ-મેઇલ કે Social Media દ્વારા ડેટા Decrypt કરવા માટે બીટકોઇન સ્વરૂપે ખંડણી માંગતા હોય છે.

ઇ - કોમર્સ સંબંધિત ફ્રોડ

ઈ-કોમર્સ સંબંધિત ફ્રોડમાં સાયબર ક્રીમીનલ્સ OLX તેમજ અન્ય વેબસાઈટ પર ચીજવસ્તુઓની ખરીદી કે વેંચાણ કરતા ગ્રાહકોને છેતરવા માટે વેબસાઈટ પર ખોટુ એકાઉન્ટ બનાવીને તમને મોંઘા ભાવની વસ્તુઓ ખૂબજ સસ્તા દરે વેંચવાની જાહેરાત મુકી જાળ બિછાવવામા આવે છે. જ્યારે કોઈ નાગરીક દ્વારા તે વસ્તુને ખરીદવા માટે જાહેરાતમા આપેલા મોબાઈલ નંબર, વોટ્સઅપ કે ઈ-મેઈલના માધ્યમથી સંપર્ક કરવામા આવે ત્યારે અરસ-પરસ વિશ્વાસ કેળવીને વસ્તુ પેટે એડવાન્સમા નાણા મેળવી લેવામા આવે છે, અને વસ્તુ મોકલવામા આવતી નથી.

હવે જ્યારે કોઈ નાગરીક પોતાની ચીજવસ્તુઓનુ OLX કે અન્ય કોઈ વેબસાઈટ પર વેંચાણ કરવા માટે જાહેરાત મુકે છે ત્યારે આ જાહેરાત જોઈને આરોપી બનાવટી ઓળખ દ્વારા નાગરીકનો સંપર્ક સાધે છે. તેમજ તે ચીજ-વસ્તુ ખરીદવા સહમત હોવાનુ જણાવી નાગરિક પાસેથી તમામ માહિતીઓ મેળવી લેવા પ્રયત્ન કરે છે. આરોપી વસ્તુ ખરીદવા માટે નાણાંની ચુકવણી Googale Pay ડાઉનલોડ ન હોય તો તેમના મોબાઇલમાં એપ ડાઉનલોડ કરાવી તેમાં નાગરિકની બેંકની વિગત ભરાવડાવીને રજીસ્ટ્રેશન કરાવે છે, ત્યાર બાદ પોતાના Google Pay એકાઉન્ટમાંથી અમુક રકમની રીકવેસ્ટ મોકલીને નાગરિકને એવુ જણાવે છે કે મોકલેલી રીકવેસ્ટમાં પે ઓપશન સિલેક્ટ કરો જેથી તમને નાણાં મળી જશે પરંતુ હકીકતમાં પે ઓપશન સિલેકટ કરવાથી નાગરિકના ખાતામાં રહેલા પૈસા આરોપીના ખાતામાં જતા રહે છે અને આ પ્રકારે છેતરપિંડી થાય છે.

ઈમેઈલ સ્પુફીંગ ફ્રોડ

ઇ-મેઈલ સ્પુફીંગ દ્વારા થતા ફ્રોડમાં સાયબર ક્રિમીનલ્સ ચોક્કસ વ્યક્તિ કે કંપનીને અત્યંત ચતુરાઇથી છેતરી કાઢે છે. નાગરીક દ્વારા વિદેશના વેપારીઓ સાથે આયાત અને નિકાશનો વેપાર મોટા ભાગે ઇમેલના માધ્યમ દ્વારા થતો હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં નાગરીક જ્યારે આયાત કરતા હોય તે સમયે વિદેશના વેપારીને માલ પેટે બેંક મારફતે સ્વિફ્ટ પેમેન્ટ કરવાનુ હોય છે. વિદેશથી વેપારી જયારે ઇમેલ મારફતે અહીના વેપારીને માલની અને બેંકની વિગત સાથેનુ પ્રફોર્મા ઇનવૉઇસ ઇ-મેઈલ દ્વારા મોકલે છે, આ સમયે સાયબર ક્રીમીનલ્સ દ્વારા વિદેશના વેપારી જેવુ ભળતુ ઈ-મેઈલ આઈડી બનાવીને બંને તરફ ઈ-મેઈલ મોકલવામા આવે છે. જેમા બેંકની વિગત બદલાયેલી હોય છે. માલ-સામાન આયાત કરવા પેટે ચુકવવાનુ થતા પેમેન્ટ તે ખોટા બેંક ખાતામા જમા કરાવવા જણાવેલુ હોય છે.

વિદેશના વેપારી જેવુ જ ઈ-મેઈલ આઈડી અને પર્ફોર્મા ઈનવોઈસના આધારે વેપારી તેમા જણાવેલા ખોટા બેંક એકાઉન્ટમા માલસામાન પેટે એડવાન્સ પેમેન્ટ જમા કરાવવા જતા આર્થિક નુક્શાન ભોગવવાનો વારો આવે છે.

કસ્ટમરકેર ફ્રોડ

જ્યારે કોઇ ગ્રાહક ઓનલાઇન, શોપીંગ મોલ, દુકાન અથવા તો અન્ય કોઇ જગ્યાએથી વસ્તુની ખરીદી કરે અને પછી કોઇ કંપનીની સર્વિસથી નાખુશ થાય ત્યારે ગ્રાહક ઓનલાઇન કંઝ્યુમર કેરની વેબસાઇટ ઉપર પોતાની ફરીયાદ રજીસ્ટર્ડ કરાવે છે. ઘણા કિસ્સાઓમાં ઓનલાઇન કંઝ્યુમર કેરની વેબસાઇટ ઓપનસોર્સ પ્લેટફોર્મ તૈયાર થઇ હોવાથી ગ્રાહકનો ડિઝીટલ ડેટા અને ફરીયાદ સંબંધીત માહિતીઓની ચોરી થાય છે. ત્યાર બાદ ગ્રાહકની ફરીયાદ મુજબની માહિતી બાબતે આરોપીઓ ગ્રાહકોનો સંપર્ક કરી તેઓને વળતર આપવુ કે અન્ય કોઇ લાલચ આપીને ગ્રાહકોની બેંક ડિટેઇલ્સ તથા મોબાઈલ નંબર મેળવી છેતરપીંડી કરતા હોય છે.

ડિજીટલ યુગમાં આર્થિક વ્યવહાર ઝડપથી થાય તેવા ઇ-વૉલેટ PayTm, Google Pay, PayU, BHIM App નો ઉપયોગ કરતાં ગ્રાહકો ઉપરોક્ત સેવા અંગે કોઇ ફરીયાદ કરે છે ત્યારે Google Search ના ઉપયોગ દ્વારા હેલ્પ લાઇન અથવા કસ્ટમર કેરનો નંબર સર્ચ કરતા હોય છે. સાયબર ક્રિમીનલ દ્વારા અહીં Google Search દરમ્યાન પોતાનો નંબર લોકોને પહેલાં દેખાય તે પ્રકારનુ સેટીંગ કર્યુ હોય છે જેથી લોકો સાયબર ક્રીમેનલ્સને જ પોતાની ફરીયાદ વર્ણવે છે. અહી સાયબર ક્રીમેનલ્સ વળતર આપવાનુ વચન આપીને ગ્રાહકોની બેંક ડિટેઇલ્સ તેમજ OTP મેળવીને ઇ-વૉલેટ/બેંકમાંથી નાણા પડાવી લે છે.

સિમ સ્વેપિંગ ફ્રોડ

સીમ સ્વેપીંગ ફ્રોડ અંતગર્ત તમારા ઓળખના પુરાવા, સીમકાર્ડ, ઈમેઈલ, મોબાઈલ, અને બેંક એકાઉન્ટ સાથે ચેડા કરવામા આવે છે. સીમ સ્વેપીંગ કેસમા નેટબેંકીંગ દ્વારા બેંક ખાતામાથી મોટી રકમના નાણા ટ્રાન્સફર કરવા ખાતાધારકો તથા નાનીમોટી કંપનીઓને ટાર્ગેટ કરવામા આવેલ છે.

સાયબર ક્રીમીનલ્સ દ્વારા ભોગબનનારને ઈમેઈલ કરી ફીશીંગ લીંક, કી-લોગર કે અન્ય કોઈ રીતે ભોગબનનારનુ ક્મ્પ્યુટર, લેપટોપ, કે મોબાઈલ ફોન હેક કરવામા આવે છે. જે ફોન નંબર ભોગબનનારના બેંક એકાઉન્ટ સાથે લીંક કરેલ હોય તેના પર OTP મેળવવા માટે એ ફોન નંબરનુ ડુપ્લીકેટ સીમકાર્ડ કઢાવવા ઓળખના ચોરેલા કે ઉપજાવેલા ખોટા પુરાવા આધારે નવુ સીમકાર્ડ મેળવે છે અને ઓનલાઈન બેંકીંગ દ્વારા મોટી રકમ આરોપી પોતાના અલગ અલગ બેંક ખાતાઓમા ટ્રાન્સફર કરે છે.

ઈમેઈલ હેકીગ


આજે દરેક વ્યક્તિ માટે ઈમેલ આઈડી એક ખુબજ મહત્વપૂર્ણ જરૂરીયાત છે. કોઈ અજાણી વ્યક્તિ ફીશીંગ લીંક કે અન્ય કોઈ યુક્તિ દ્વારા ભોગ બનનાર વ્યક્તિના ઈમેઈલનો આઈડી અને પાસવર્ડ યેનકેન પ્રકારે મેળવી તેના ઈમેઈલ દ્વારા બેંકની તેમજ અન્ય તમામ પ્રકારની માહીતી મેળવી આર્થિક નુક્શાન કરવા પ્રયત્ન કરે છે. ઘણા કિસ્સાઓમા અજાણી વ્યક્તિ કોઈ બનાવટી ઈમેઈલ આઈડી બનાવી અને કોઈ ત્રાહીત વ્યક્તિને ઈ-મેઈલમા ધમકી આપવી કે માનસીક હેરાનગતી કરતો સંદેશો મોકલે છે. જેનાથી તે વ્યક્તિ માનસીક ત્રાસ અનુભવે છે, જે ગુનાહીત પ્રવૃત્તિ કરે છે.

લોટરી/ઇનામ ફ્રોડ

“લોટરી તો નશીબમાં હોય તેને જ ફળે” આ કહેવતનો સૌથી વધુ ગેરફાયદો ઉઠાવવા સાયબર ક્રિમીનલ્સ હંમેશાં શિકારની શોધમાં ભટકતા હોય છે લોકોને ફોન, ઇમેલ કે SMS દ્વારા સંપર્ક કરીને તમને માતબર લોટરી-ઇનામ 

લાગ્યુ છે તેવી ખોટી લાલચ આપીને છેતરપીંડી આચરવાનુ કામ કરે છે. તમારૂ નામ કોઈ યોજના હેઠળ ઇનામ માટે સિલેક્ટ થયુ છે તેવુ જણાવીને ઇનામ આપવાના બહાને જુદા-જુદા ચાર્જ પેટે નાણા પડાવીને લોટરી કે ઇનામ જેવી વસ્તુઓ નહી આપીને ગુનો આચરવામાં આવે છે.

ઘણી વખત નાગારિકોને બનાવટી ઓળખ આપીને દેશ વિદેશમાંથી ઇનામ કે રોકડ રકમ મોકલવા કે ફંડ ટ્રાન્સફર કરી રહ્યાનુ જણાવે છે ત્યાર બાદ એરપોર્ટથી કે, કસ્ટમ ઓફીસરના ખોટા નામથી ફોન કરીને પ્રોસેસીંગ ચાર્જ અથવા તો કોઇ ખોટા ગુનામાં સંડોવાઇ જવાનો ડર દેખાડીને મોટી રકમ પડાવી લેવામાં આવે છે. આ પ્રકારના ગુનાઓમાં મુખ્યત્વે નાઇજીરીયન ગેંગ સંડોવાયેલી હોય છે.

ટાવર ઇન્સ્ટોલેશન ફ્રોડ

તમે ક્યારે સાંભળ્યુ છે કે, મોબાઇલના ટાવર ઇન્સ્ટોલ કરવા છે તે પ્રકારની માહિતી ફેલાવીને પણ આર્થિક અપરાધ થાય છે ? Social Media, વેબસાઇટ કે સમાચારપત્રમાં મોબાઇલ ટાવર ઇન્સ્ટોલ કરવાના છે તેવી ખોટી માહિતી આપવામાં આવે છે. દર મહિને ઉંચુ વળતર આપવાની લાલચે તમારો સંપર્ક સાધીને ટાવર ઇન્સ્ટોલેશન કરવા માટે રજીસ્ટ્રેશન ફી એડવાન્સ ડિપોજીટ જેવા બહાના હેઠળ માતબર રકમ મેળવીને વિશ્વાસઘાત કરતા હોય છે.

ઓનલાઈન શોપીગ ફ્રોડ

આજકાલનો જમાનો ઓનલાઇન શોપીંગનો છે. Social Media તેમજ અલગ અલગ ઇ-કોમર્શ વેબસાઇટ જાતભાતની ચીજવસ્તુઓ ખરીદતી વખતે સાયબર ક્રીમીનલ્સ તમારી સાથે આયોજનપુર્વક છેતરપીંડી કરતા હોય છે. Social Media કે અન્ય ઇ-કોમર્સ વેબસાઇટ પર લોભામણી લાલચ આપતી જાહેરાતો મુકીને યેનકેન પ્રકારે ઓનલાઇન નાણા મેળવીને વસ્તુની ડિલીવરી નહી આપીને કે ખોટી-હલકી-બનાવટી વસ્તુઓ ડિલીવરી કરીને તમને આર્થિક નુકશાન પહોંચાડે છે.

કેમીકલ / બિયારણ સંબંધિત સાયબર ક્રાઇમ

સામાન્ય રીતે, આપણને માનવામાં પણ ન આવે કે, કેમીકલ/ બિયારણ જેવા મુદ્દા સાથે કોઇ આપણને છેતરવા માટેની યોજના ઘડી રહ્યુ છે. આ પ્રકારના ફ્રોડ અંગે સામેવાળી વ્યક્તિ ભોગ બનનારને ફેસબુક અથવા ઇમેલ મારફતે ફેક આઇ.ડી. દ્વારા સંપર્ક સાધી સૌપ્રથમ મિત્ર બનવાની ઓફર કરે છે, તેમજ પોતે વિદેશમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરે છે અથવા તો પ્રતિષ્ઠીત ડૉકટર હોવાની તદ્દન ખોટી માહિતી આપે છે.

આ ઉપરાંત પોતે ભારત દેશમાં કેન્સર જેવા ગંભીર રોગની દવામાં ઉપયોગમાં આવતા કેમીકલ તેમજ પશુઓ માટે પ્રાણીજન્ય રસી બનાવવા ઉપયોગી સીડ્સ વિગેરેના ધંધા સાથે સંકળાયેલા હોવાની માહિતી આપી પોતાની કંપનીમાં આવા કેમીકલ કે સીડ્સની જરૂરત હોવાની બાબત જણાવે છે. ભોગ બનનારને ઉંચા ભાવે કેમીકલ કે સીડ્સની ખરીદી કરાવી આયોજનપુર્વક છેતરપીંડી કરીને આર્થિક ગુનો આચરતા હોય છે.

મોટા ભાગના કિસ્સાઓમાં આ પ્રકારના અપરાધ માટે ચોક્કસ સામુહિક ગેંગ કે જે આયોજનપુર્વક છેતરપીંડી કરીને ફ્રોડ આચરતા હોય છે. તપાસમાં જણાઇ આવ્યુ છે કે નાઇજીરીયા દેશના નાગરીકો કે જેઓ ભારતમાં કોઇ સ્થળે ગેરકાયદેસર વસવાટ કરતા હોય છે, તેઓ આ પ્રકારના ફ્રોડને અંજામ આપતા હોય છે.

ઈન્સ્યોરન્સ ફ્રોડ


જે પ્રકારે લોન ફ્રોડ જેવી ઘટનાઓ બનતી હોય છે લગભગ તેવી જ મોડસ ઓપરેન્ડી સાથે ઇન્શ્યોરંન્સ ફ્રોડ પણ સાયબર ક્રિમીનલ્સનુ હાથવગુ હથિયાર છે. લાઇફ ઇન્શ્યોરંન્સ કે હેલ્થ ઇન્શ્યોરંન્સના બહાને બનાવટી વિમા અધિકારી/ એજન્ટ બનીને સંપર્ક સાધે છે. નવા ઇન્શ્યોરંન્સ અથવા તો વર્તમાન ઇન્શ્યોરંન્સ અંગે સાચી-ખોટી માહિતીની આપ-લે કરીને ગુનાહિત કૃત્યની શરૂઆત કરે છે.

આવા સાયબર ક્રિમીનલ્સ નકલી વિમા અધિકારી/ એજન્ટ બનીને લોભામણી ઓફર, રીફંડ જેવી લાલચ વડે તમારો વિશ્વાસ કેળવીને વિમાના હપ્તા પેટે કે પછી સિક્યોરીટી ડિપોઝીટ પેટે સારૂ રીફંડ અપાવવાની લાલચે કે સસ્તી ઇન્શ્યોરંન્સ જેવી યોજનાના બહાના હેઠળ વિમાધારક પાસેથી જુદા-જુદા ચાર્જ પેટે રકમ મેળવીને આર્થિક નુકશાન પહોંચાડવાની ગેરકાયદે પ્રવૃત્તિ કરે છે.

લોન ફ્રોડ

લોન શબ્દ સાંભળતાંજ બેંક યાદ આવે ને? પણ અહીંયા તો તમારી લોન (નાણા) ની જરૂરીયાત વિશે ચોક્કસ માહિતી મેળવીને તમારા ખિસ્સા અને બેંક બેલેન્સમાંથી લોન ફ્રોડ કરતા સાયબર ક્રીમીનલ્સ કાર્યરત હોય છે. તમારી બેંક અંગેની ઇન્કવાયરી અને ડેટાનો ગેરકાયદે હાથવગે કરીને, તમારા મોબાઇલ ફોન પર બેંક અધિકારીની બનાવટી ઓળખ આપીને લોન ઉપરાંત લોભામણી લાલચ આપી તમને ફસાવવાનુ આબાદ છટકુ ગોઠવવામાં આવે છે.

આ પ્રકારના ફ્રોડમાં સામેવાળી વ્યક્તિ ભોગ બનનારને જુદી-જુદી બેંકમાંથી લોન આપવાના બહાને રજીસ્ટ્રેશન, પ્રોસેસ ફી, ટેક્સ, GST વિગેરે માટે ચાર્જ પેટે નાણા મેળવી લોન નહી આપીને ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય છે.

મેટ્રીમોનીયલ ફ્રોડ

લગ્ન માટે જીવનસાથી શોધતા સાયબર અપરાધીઓનો ભેટો થઇ જાય તેવા સંખ્યાબંધ કિસ્સાઓ સામે આવ્યા છે. મંગલમય લગ્ન જીવનના સપના જોતા ઘણા લોકો સાથે વર/ કન્યાના નામે છેતરપીંડીની ઘટનાઓ બની છે. ઓનલાઇન મેટ્રીમોનીયલ વેબસાઇટ ઉપર પુરૂષ કે સ્ત્રી જ્યારે રજીસ્ટ્રેશન કરાવે ત્યારે તેમને સપનેય ખ્યાલ નથી હોતો કે સાયબર ક્રિમીનલ પણ આવી જ વેબસાઇટ ઉપર શિકાર શોધી રહ્યો છે.

મોટા ભાગના કિસ્સાઓમાં તમારી બધીજ વિગતો મેળવીને વિશ્વાસ કેળવી બનાવટી વાતો અને નકલી ઓળખાણ આપી તમને આર્થિક નુકશાન પહોંચાડવા માટે થતી પ્રવૃત્તિ એટલે મેટ્રીમોનીયલ ફ્રોડ.

જોબ ફ્રોડ (નોકરી સંબંધિત ફ્રોડ)


નોકરી સંબંધી લાલચ આપીને છેતરપીંડી આચરવી એ સૌથી સરળ અને સંખ્યાબંધ લોકોને છેતરવાનો સાયબર અપરાધીઓનો ધિકતો ધંધો છે. સામાન્ય રીતે નાગરિકો નોકરી મેળવવા માટે અલગ અલગ વેબસાઇટ ઉપર એપ્લાય કરતા હોય છે, આવા લોકોની માહિતી યેનકેન પ્રકારે મેળવીને નોકરી મેળવવા ઇચ્છતા લોકોનો ફોન કે ઇમેલ દ્વારા સંપર્ક કરીને સાયબર અપરાધીઓ તેમનો વિશ્વાસ કેળવીને જુદી-જુદી પ્રોસેસીંગ ફી ના બહાના હેઠળ પૈસા પડાવીને વ્યક્તિને આર્થિક નુકશાન પહોંચાડવા જેવા ગુનાહિત કૃત્યો આચરતા હોય છે.

ઓનલાઈન ડેબીટ કાર્ડ /ક્રેડીટ કાર્ડ ફ્રોડ


પહેલાંના સમયમાં હાથમાં છરી જેવા હથિયાર લઇને અસામાજીક તત્વો લુંટ ચલાવતા, પરંતુ હવે તમારા ડેબીટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડમાં આયોજનપુર્વક OTP (વન ટાઇમ પાસવર્ડ)ના માધ્યમથી લાખો-કરોડો રૂપિયાની ઉઠાંતરીના કિસ્સાઓ સામે આવ્યા છે. નાગરિકોને ફોન ઉપર બેંક મેનેજર/કર્મચારી કે RBI ના અધિકારી હોવાની નકલી ઓળખ આપીને વિશ્વાસ કેળવી તેમના મોબાઇલ ફોન પર આવેલા OTP ઉપરાંત ડેબીટ/ ક્રેડીટ કાર્ડ જેવી મહત્વપુર્ણ માહિતી મેળવી નાગરિકોના ખાતામાંથી માતલબર રકમ ઉપાડી લેવામાં આવે છે.

સોશીયલ મીડીયા સંબંધિત ફ્રોડ


આજકાલ બધાજ લોકો Social Media નો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપશપ કરવા માટે તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે WhatsApp, Facebook, Instagram, Twitter, You Tube, Tik Tok જેવી એપ્લીકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. પરંતુ અહીંયા પણ તમારી સાથે છેતરપીંડી કરવા માટે ઘણા અસામાજીક સાયબર તત્વો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેમ કે,
·         Social Media પર અન્ય વ્યક્તિના નામે Fake પ્રોફાઇલ બનાવવી
·         Social Media પર અન્ય વ્યક્તિના પ્રોફાઇલ પેજ હેક કરવા
·         અન્ય કોઇ વ્યકિતના ફોટો કે વિડીયો બિનઅધિકૃત રીતે અપલોડ કરવા
·         અન્ય કોઇ વ્યકિત વિશે અપશબ્દોનો ઉપયોગ
·         બિભત્સ ભાષા, સાહિત્ય કે પોર્નોગ્રાફી
·         સાયબર બુલિંગ
·         Fake News કે ખોટી અફવા ફેલાવવી
·         ધર્મ, જાતિ, ભાષા કે પ્રાંતને નિશાન બનાવી અન્યની લાગણીને ઠેસ પહોંચાડવી તેમજ તે પ્રકારની માહિતી, ફોટા કે વિડીઓ અપલોડ કરવા, ટેગ અથવા શેર કરવુ પણ ગંભીર ગુનો બને છે

બાળકોને સાઇબર બુલિંગથી કેવી રીતે બચાવવુ

  બાળકોને સાઇબર બુલિંગથી બચાવવા માટે જે તે પેરેન્ટ્સને સાઇબર ક્રાઇમ વિશેની વિશેષ જાણકારી હોવી જોઈએ. પેરેન્ટ્સ પોતાનાં બાળકોને ઓનલાઇન બનતી ઘટ...